top of page
  • imdb
  • Linkedin
  • Instagram
  • Facebook
  • Youtube
  • Whatsapp

ચાલો ને કલ્પના કરીએ…'ઑલ વી ઈમેજિન્ડ એઝ લાઈટ' ની સાથે સાથે..

  • janantikshukla9
  • Oct 25
  • 18 min read

Updated: Oct 29


Prabha and Anu looking at Rice cooker

(રાઈસ કુકરને વિસ્મયથી જોતા અનુ અને પ્રભા)



કેટલીક કથાઓ, કવિતાઓ, ફિલ્મો, આપણે વાંચીએ, જોઈએ ત્યારે તેની વાતો, વાર્તાઓ મગજમાં ચાલતી રહે સતત દિવસો સુધી, ક્યારેક પાછી રાતે સપનામાં આવે. તો કેટલીક કથાઓ બસ અડધી જ મૂકી દઈએ. ક્યારેક એમ થાય કે અડધી મૂકી દીધેલી કથાનાં પાત્રો હવામાં તરતાં રહેતા હશે, દરિયામાં ડૂબી જતાં હશે કે ખરી જતાં હશે ખરતાં તારાની જેમ નીજ આકાશમાંથી. તો ક્યારેક એમ પણ બને કે કેટલીક ફિલ્મના, કથાના પાત્રો એવા હોય છે જે આપણી સાથે વાતો માંડે, વાર્તા માંડે, ન સમય જુએ, ન ભીડ, બસ લાગી જ પડે. રસ્તામાં, ચાની લારી પર, ભાગીયા રિક્ષામાં બાજુમાં બેઠેલા હોય, ક્યારેક હોસ્પિટલમાં, ટ્રેનમાં, બસમાં દેખાઈ જાય, ક્યારેક તો બધાં સાથે પાર્ટી કરવા આવે, મોટા રેસ્ટો-બારમાં. જ્યાં સખત અને સતત કોલાહલ હોય. માર્કવેઝ આવીને બીર પીતા હોય, બૉદલેર વાઈન પીતો કંઈને કંઈ ગણગણતો હોય, પેલો વિન્સેન્ટ આવીને દેશી દારૂ મારે પૈસે પીતો હોય, વિન્સેન્ટની સામે નર્મદ લાડુ ખાતા બેઠા હોય, ગાંધી ખૂણામાં એક ટેબલ પર 'હિંદ સ્વરાજ'નાં પ્રૂફ સુધારતા હોય, મને થાય કે ગાંધી અહીં ક્યાંથી? ત્યાં તો જોન - પીરે જોનેની એમિલી મારી સામે બેસી

ખડખડાટ હસવા લાગે, મને થાય એવું તે મેં શું કીધું? દોસ્તોએવસ્કીનો રાસ્કોલનિકોવ મારા ડઘાયેલા ચહેરાને જોતો રહે.


ત્યાં તો આ રૅસ્ટો-બારમાં હમણાં જ એક નહિ, બે નહિ, ત્રણ સ્ત્રી પાત્રો પ્રવેશે છે. તેમને ક્યાંક જોયા હોય તેમ લાગે છે. પછી ટ્યુબલાઈટ થાય છે. અરે, આ તો 'ઑલ વી ઈમેજિન્ડ એઝ લાઈટ' ના પાત્રો. અનુ, પ્રભા અને પાર્વતી. ત્રણેય નર્સના યુનિફોર્મમાં જ આવ્યા છે. યુવાન નર્સ અનુની આંખમાં એક રમતિયાળપણું છે, તેણે એક નજર અમારા બધા તરફ ફેરવી લીધી છે. બીજી નર્સ પ્રભા કંઈક ઠરેલ છે, તેની આંખો ખોવાયેલી છે, ત્રીજી નર્સ પાર્વતીની ઉંમર વધુ, અને જુસ્સો ય વધુ. તે જ મંગાવે છે 'ડિરેક્ટર'સ સ્પેશ્યલ' નામની વ્હીસ્કીની આખી બોટલ અને ગ્લાસ . તે ત્રણ ગ્લાસ ભરીને ચિયર્સ કરતી હોય ત્યાંજ તેમની દિગ્દર્શક પાયલ કાપડિયા પણ આવે છે. હા પાયલ કાપડિયા જ, તેમના જગતને રચનાર,જીવનાર, અનુભવનાર લેખક-દિગ્દર્શક. મારે તેમની કથાઓ, સિનેમેટોગ્રાફી, પાત્રો, સંગીત, વોઇસઓવર વિશે, તેમના મુંબઈ વિશે નિરાંતે વાતો કરવી હતી. તેમની ફિલ્મો 'ઑલ વી ઈમેજિન્ડ એઝ લાઈટ' -ફિચર ફિલ્મ (૨૦૨૪), ' 'અ નાઈટ ઓફ નોવિન નથિંગ' -દસ્તાવેજી ફિચર ? (૨૦૨૧) 'આફ્ટરનૂન ક્લાઉડ્સ' -શોર્ટ ફિલ્મ (૨૦૧૭), 'વૉટ સમર ઈઝ સેયિંગ' - ડોક્યુમેન્ટ્રી શોર્ટ (૨૦૧૮) 'વોટરમેલન, ફિશ અને હાફ ઘોસ્ટ' -શોર્ટ ફિલ્મ (૨૦૧૪) વિશે અને નવા કામો વિશે, તેમના રાજકારણ વિશે બેઠકો કરવી હતી, મને તેમની ફિલ્મો શું એક જ વિશાળ મહાકથાના ભાગ જેવી લાગી કે બધાનાં પોત અલગ, વાત અલગ, વાર્તા અલગ. પણ હું કંઈ બોલું એ પહેલાં તો તે વ્હીસ્કીનો એક પેગ મારી ગાયબ, સાથે રેસ્ટો બાર અને તેમાં બેઠેલાં લોકો પણ. શું ભ્રમણા, શું સપનું, શું વાસ્તવ? હું ગુગલ મેપ પર મારી જગ્યા શોધ્યા કરૂ ત્યાં તો મોબાઈલમાં સમાચાર ડોકાયાં, પાયલ કાપડિયા ચોથી વાર કેન (cannes ) ફિલ્મ મહોત્સવમાં (કેન એટલે કે ફ્રાંસનું એક ગામડું જ્યાં 1946થી દર વર્ષે ફિલ્મ મહોત્સવ યોજાય છે. કેન ગામ તો ફિલ્મમેકર માટેનું કાશી, મક્કા, વેટિકન બધું જ છે. ) પહોંચ્યાં છે. અને આ વખતે તો પાયલ કેનની જ્યુરીમાં પહોંચે છે. તેમની શોર્ટ ફિલ્મ ''આફ્ટરનૂન ક્લાઉડ્સ'નો કેનમાં પ્રીમિયર યોજાયો હતો . 'અ નાઈટ ઓફ નોવિન નથિંગ' ને ડોક્યમેન્ટ્રી ફીચરને કેનમાં 'ગોલ્ડન આઈ' અને "ઑલ વી ઈમેજિન્ડ એઝ લાઈટ' ફીચર ફિલ્મની કેટેગરીમાં કેન ફિલ્મ મહોત્સવનો ‘ગ્રાઉન પ્રિ ('GRAND PRIX) એવાર્ડ મળ્યો છે. 'ગ્રાઉન પ્રિ' એ ફિચર ફિલ્મ કેટેગરીમાં 'પાલ્મ ડી ઓર ' પછીનો આ મહત્વનો એવોર્ડ છે . બીજી અનેક જગ્યાઓએ તેમની ફિલ્મોને એવોર્ડ મળ્યા છે. એવોર્ડ તો પાયલને મળ્યા, આપણને તેમની ફિલ્મો પાસે જઈએ ત્યારે કંઈ મળે છે? શું મળે છે? તાજપનો અનુભવ કરાવે છે કે નહિ? તેની કથાઓના તાણાવાણા કેવા વીંટાયેલા છે? તેમના પાત્રો હવામાં તરે છે, દરિયામાં ડૂબે છે કે જમીન પર ચાલે છે? શું આ ફિલ્મમકેર ભારતની ફિલ્મની આબોહવામાં નવો પવન ફૂંકશે ? કંઈ પણ કહેવું વહેલું છે પણ તેમની કલાસરૂમ ફિલ્મોથી લઈ દસ્તાવેજી ફિલ્મ અને ફિચર ફિલ્મ પાસે આપણે જઇએ છે ત્યારે એક આશા જરૂર બંધાય છે અને પાયલ એક ફિલ્મમેકર તરીકે સતત વિકસિત થતા જણાય છે.



ree

(વહી જતી ક્ષણોને જોતી પ્રભા)


પાયલ કાપડિયાની 'ઑલ વી ઈમેજિન એઝ લાઈટ’ ફિલ્મના ત્રણ પાત્રો નદી જેવા છે . ત્રણેયની ગતિ અલગ, ત્રણેયના રંગ, રૂપ સ્વભાવ અલગ. ક્યારેક એકમેકમાં ભળીને થોડા બદલાય છે . થોડાં સાથે ચાલે છે, થોડાં વેગળાં. સાથે પોતાના વહેણમાં બે ત્રણ લોકોને ઢસડી લાવે છે. વમળો તેમના મનમાં પેદા થાય છે. ભાવકના મનમાં તો નદીની જેમ બસ સતત વહેતા રહે છે, ફિલ્મ જોયાના દિવસો પછી. અનુ (દિવ્યા પ્રભા), પ્રભા (કની કુસરૂતી), પાર્વતી (છાયા કદમ), ત્રણેય મુંબઈની પ્રાઇવેટ

હોસ્પિટલમાં નર્સ છે. પ્રભા ૩૫ની આસપાસ પહોંચેલ ઠરેલ નર્સ છે . તેનાં લગ્ન થયા છે, તેનો પતિ જર્મનીની ફેક્ટરીમાં કામ કરે છે. પણ એકાદ વર્ષથી તેની સાથે વાત નથી થઈ. તેણે પોતાના સપના કોક દાબડીમાં મૂકી દીધાં છે. પતિને મળવાનાં, ઘર બનાવવાનાં સપના, જાણે કે બધુ જ દાબડીમાં. ક્યારેક દાબડી ખૂલે છે, અચાનક સપના ફરી પાછા દેખાતાં થાય છે. ત્યારે તેના સહિત પ્રેક્ષકને પણ થાય છે, આ કપોળ કલ્પના છે કે હકીકત ? પ્રભાના અજાગ્રત મનના ભાવોને, સપનાઓને, ખિન્નતાને સિનેમા હોલમાં બેઠેલો પ્રેક્ષક પણ અનુભવે છે. તો અનુ ૨૩-૨૪ વર્ષની યુવાન હસમુખી, તરંગી નર્સ છે. તેનો સિયાઝ (હ્રીદુ હારુન) નામનો બોયફ્રે ન્ડ છે, મુંબઈની ભરચક ભીડમાં,વરસાદમાં તેઓ રોમાન્સ કરી જાણે છે. અનુ અને પ્રભા બંને નર્સ કેરળની છે. તેઓ મુંબઈના પરા વિસ્તારમાં એક નાનકડા ફ્લેટમાં સાથે રહે છે. તેમની સાથે એક બિલાડી પણ છે. (પાયલની ફિલ્મમાં બિલાડીઓનું પાત્ર કાયમનું છે.) ત્રીજું પાત્ર પાર્વતી, લગભગ ૫૦ વર્ષની છે, તે હોસ્પિટલની કેન્ટીનમાં રસોઈયણ છે. તેનો પતિ મૃત્યુ પામ્યો છે. પાર્વતી પરાની એક ખોલીમાં રહે છે પણ તેનીપાસે ખોલીની માલિકીના કાગળિયાં નથી. પાર્વતીને બિલ્ડર વિવિધ રીતે રંજાડે છે, ધમકીઓ આપે છે.વીજળી, પાણીના જોડાણો કાપી નાખે છે. તેનામાં ભારોભાર ગુસ્સો છે. આખરે સ્વમાનથી જીવતી આ નર્સ થાકીને રત્નાગિરિ પાસેના પોતાના દરિયાકિનારેના ગામ જવાનું નક્કી કરે છે. તેનો સામાન ઊંચકવાઅનુ અને પ્રભા પણ જોડાય છે. ત્રણ સ્ત્રીઓ બસમાં પાર્વતીના ગામ પહોંચે છે. મુંબઈથી લાવેલાપાર્વતીના સામાનમાં દારૂની બોટલ નીકળે છે, અનુ અને પાર્વતી આનંદથી અને પ્રભા કંઈક ક્ષોભ સાથેબે ઘૂંટ દારૂ પીને મસ્તીમાં નૃત્ય કરે છે તેમાં ત્રણેય પાત્રોની દોસ્તી વધુ ઘાટી બને છે.અનુને મળવા, સાથે સમય વીતાવવા સિયાઝ પણ આવ્યો છે. પાર્વતી અને પ્રભાની જાણ બહાર. અનુઅને સિયાઝને ઝાડીઓમાં કિસ કરતાં પ્રભા જોઈ જાય છે. અને પ્રભાના મનમાં ઘમસાણ મચે છે. અનુસાથે તાબડતોબ મુંબઈ પાછા ફરવાનું વિચારે છે. જઈ નથી શકતી.


સાંજે જ્યારે પ્રભા દરિયાકિનારે એકલી બેઠી હોય છે ત્યારે માછલીની જાળમાં ફસાયેલ વ્યક્તિ (આનંદ સામી) બેભાન અવસ્થામાં તણાઈને આવી ચડે છે. માનવીય ફરજના ભાગ રૂપે નર્સ પ્રભાતેનો CPR સારવાર આપી જીવ બચાવે છે. ગામના લોકો અર્ધબેભાન વ્યક્તિને ઊંચકીને એક ઝૂપડાંમાં લાવે છે. ડોક્ટરને તેડાવે છે. ત્યાં સુધી પ્રભા તેના ઘા ઉપર પ્રાથમિક સારવાર કરે છે. બેભાન વ્યક્તિ જાગતાં મળયાલમ ભાષામાં પ્રભા સાથે વાતો કરવા લાગે છે. ઝૂંપડાની ડોશી અર્ધ બેભાન વ્યક્તિ અને પ્રભાને પતિ પત્ની તરીકે માની લે છે. પ્રભાને ધીરે ધીરે વ્યક્તિમાં તેનો પતિ દેખાય છે. ઘણી વાર આપણે કોઈકની તીવ્રતાથી રાહ જોતા હોઈએ ત્યારે દરેક વ્યક્તિમાં આપણો વ્યક્તિ - પ્રેમી દેખાવાનું શરુ થાય છે. આવું કદાચ પ્રભાને પણ થયું હોય. વ્યક્તિ પ્રભાને હાથ પર કિસ કરે છે. કીસ કરતાં જ પ્રભાની આંખમાંથી આંસુ ટપકે છે. પ્રભા વ્યક્તિને આગળ વધતા અટકાવે છે, બારી તરફ ધસે છે. બારી ની બહાર રાતનું કાળું ભૂરું આકાશ છે. કહે છે, "હવે તેને 'જોવા' માંગતી નથી." આ સંવાદમાં તો દેખાય છે રત્નાગિરિનું જંગલ- રાતનું આકાશ અને અને ફેલાઈ રહેલા ઘેરા ભૂરા રંગ. આપણા મનમાં અને જંગલમાં પ્રભાના શબ્દો ગુંજતા રહે છે. આ દૃશ્યમાં દિગ્દર્શક અને સિનેમેટોગ્રાફર ખીલીને પ્રગટ થયા છે. સિનેમેટોગ્રાફર રણબીર દાસ ઝાંખા પ્રકાશમાં સપનીલા રંગો (ફૅન્ટેસી) ઊભા કરે છે. આછા ભૂરા રંગના બલ્બની ઝાંખી ચમકથી રૂમ ભરાતો જાય છે, પ્રભાની પાછળ ઝાંખાપ્રકાશના વલયો રચાય છે. અને રૂમનો દૃશ્યાત્મક ક્લાઈમેક્સ જંગલના રાતના ભૂરા રંગોમાં થાય છે. અને શું સાચું? કે શું સપનું? શું કપોળ કલ્પના એ જોવા તમારે ફિલ્મ જ જોવી રહી. આ દૃશ્ય પછી પ્રભા બદલાઈ છે, તેના મોં પર, આંખોમાં પહેલી વાર ચમક દેખાય છે.


પ્રૌઢ કાકી (મધુ રાજા)નો, કુકરનો, ગુફાનો અને અંતના દૃશ્યો ફિલ્મના મહત્ત્વના છે, અને અસરકારક રીતે ફિલ્માવાયાં છે. પ્રભા પોતાના કામના ભાગ રૂપે એક કાકી(દર્દી)ને હોસ્પિટલમાં દવા આપે છે. પણ કાકી દવા લેતા નથી અને છુપાવી દે છે મોઢાની નીચે. કારણ એવું આપે છે એ જયારે તે દવા લે છે ત્યારે ખરાબ સપનાઓ આવે છે , તમાકુની ગંધ આવે છે, પછી તેનો મરી ગયેલો પતિ અચાનક સામે આવી જાય છે. (ગંધનું ય ગજબ હોય છે, ગંધથી તરત અનુસંધાન જે તે વ્યક્તિ, સ્થળ અને સમય સાથે ઘણી વાર થઇ જતું હોય છે, એ પાયલ લાવી શક્યાં તેનો આનંદ. ગંધ-સુંગંધ બહુ સારી રીતે ઓછી ફિલ્મમાં પ્રગટ થઈ છે. તેમાંની એક સુજીત સરકારની 'ઓંક્ટોબર' અને રિતેશ બત્રાની લંચબોકસ ગણી શકાય. ) પતિના પગ હોતા નથી. કાકી ગભરાઈ જાય છે. કાકાના મર્યા પછી પણ તે કાકીને ભયમાં રાખે છે. કલ્પના કરો કે કાકાએ જીવતે જીવત કેવો કેર વર્તાવ્યો હશે? આ દૃશ્યમાં કેમેરા લાંબો સમય સુધી પ્રભાના ચહેરા પર રહે છે. પ્રભા જાણે કે આ કથાનું વર્તુળ છેલ્લે પૂરૂ કરે છે . એને પણ પેલી દરિયાકિનારે બચાવેલ વ્યક્તિમાં તેનો પતિ દેખાય છે. આમ આ ચિત્તભ્રમના આ બંને કિસ્સાઓથી વાર્તાને વળ ચઢે છે . જાણે અંતમાં પ્રભાની વાર્તા અનાયાસે શરૂઆતની કાકીની વાર્તા સાથે પ્રેક્ષકને જોડી આપે છે. પ્રેમમાં ઝૂરાપાની, એકલતાની, અવસાદની લાગણીઓ તરફનું ખેંચાણ પાયલનું શરૂઆતની ફિલ્મોથી દેખાય છે . 'આફ્ટરનૂન ક્લાઉડસ ' શોર્ટ ફિલ્મમાં ૬૫ વર્ષેકના કાકી અને તેમની ૩૦ વર્ષની આયા પોતાના પ્રેમની યાદોમાં ઝૂરે છે. વાસ્તવને વેંઢારે છે , અને બસ ફૂલોના કૂંડાંને ફેરવ્યા કરે છે જેથી પ્રકાશમાં સારા દેખાય. આ શોર્ટ ફિલ્મના પાત્રો જાણે કે વિકસીને પ્રભા અને અનુ બન્યા છે .


બીજુ એક મહત્વનું દૃશ્ય કુકરનું છે. પ્રભા અને અનુને ત્યાં એક પારસલ આવે છે, પણ પારસલ પર મોકલનારનું નામ નથી. પણ પ્રભાનું નામ 'પ્રતિ' તરીકે છે. ગુંચવાયેલા પ્રભા અને અનુ પારસલ ખોલે છે. અંદરથી રાતા રંગનું ભાતનું કુકર (રાઈસ કુકર ) નીકળે છે . તેનો આકાર અને રંગ ગમી જાય એવા છે. કુકરની નીચે ‘મેડ ઈન જર્મની’ વંચાય છે. અને પ્રભાને તાળો મળે છે કદાચ તેના જર્મનીમાં રહેતા પતિએ કુકર મોકલ્યું હશે. પ્રભા રાતે અંધારામાં જાણે કે પતિ સાથે વહાલ કરતી હોય તેમ કુકર સાથે રમે છે. એક જડ વસ્તુમાં જીવનું આરોપણ કરે છે. ફરી પાછું તેનું મન પતિ તરફ ખેંચાય છે. તેથી જ કદાચ પ્રભા ડૉક્ટર મનોજના ભાવને પ્રેમના સંબંધમાં પરિવર્તિત કરી શકતી નથી. ભારતીય સ્ત્રી માટે કુકર એક પ્રાથમિક જરૂરિયાત છે જયારે તે અનેક અર્થ સંકેતો લઈને પણ આવે છે.



ree

(મુંબઈના વરસાદમાં અનુ અને સિયાઝ )


ગુફાના દૃશ્યમાં અનુ અને સિયાઝ મળે છે. ગુફાનાં પથ્થરોમાં જે શિલ્પ વર્ષો પહેલાં બન્યા છે, ત્યાં નવા પ્રેમીઓ પોતાને, એકમેકને શોધે છે. ગુફા જાણે કે અનુ-સિયાઝને પ્રેમીઓના વિશ્વમાં લઇ જાય છે. પ્રેમના ચિતરામણો(ગ્રેફિટી)ની વચ્ચે ફરીથી પોતાના પ્રેમ વિષે, ભવિષ્ય વિષે પ્રશ્નો તેમના મનમાં ઉભા થાય છે. તેમાં ગુફાની ભેંકારતા ઊમેરો કરે છે. ફિલ્મના બીજા અનેક દૃશ્યો ફિલ્મને નવા અર્થોના દરવાજા ખોલી આપે છે જેવા કે લહેરાતા ભૂરા પડદાં, વરસાદમાં હોસ્પિટલની અગાશી પર સુકાતી મુકેલી ભૂરી ચાદરોને લેવા નર્સોની દોડાદોડી , પ્રભાનું હતાશામાં કપડાં ધોવા, બિલાડીનું ડોક્ટર મનોજ પાસે ગર્ભ પરીક્ષણ કરાવવું , અનુની ડૉક્ટર મનોજ સાથે મજાક કરવી પછી પ્રભાનું અનુને ધમકાવવું જેવા દૃશ્યો ફિલ્મની કથાના તાંતણા વધુ મજબૂત કરે છે. કથાના તાંતણા એક દૃશ્ય પછી બીજુ કયું દૃશ્ય મુકાયું છે તેનાથી પણ મજબૂત થાય છે . ગુફાના તંગ વાતાવરણ પછી અનુ-સિયાઝનું વૃક્ષોની છાયા તળે સેક્સનું દૃશ્ય વાતાવરણ હળવું કરે છે અને તેના પછીનું દૃશ્ય દરિયા કિનારે બેભાન વ્યક્તિ તણાતો આવ્યો છે તે છે, જે વાતાવરણ ફરી ગંભીર બનાવે છે. આવા કથાના આરોહ અવરોહ સ્ક્રીનપ્લેમાં હોય છે તો ઘણી વાર એડિટર પણ આ કમાલ કરતા હોય છે .

***

ફિલ્મની શરૂઆત ગુજરાતી, હિન્દી , મરાઠી વોઇસ ઓવર ( જ્યારે બોલનાર વ્યક્તિ ન દેખાય, ફક્ત તેનો અવાજ સંભળાય તેને વોઈસ ઓવર કહે છે) થાય છે. કોઈકના અવાજમાં મુંબઈમાં રહેવાની વ્યથા છે, તો કોઈકના અવાજમાં મુંબઈની વિશેષતા છતી થાય છે.


કેટલાક વોઈસ ઓવર:

'મને અહીં ૨૩ વર્ષ થયાં છે. પણ હું એને ઘર નથી કહી શકતો. ડર લાગે છે કે ગમે ત્યારે મારે

પાછું જવું પડે. ' (ગુજરાતી)

'મારૂ દિલ હમણાં જ તૂટ્યું છે. આ બધું ભૂલવા માટે શહેર તમને મદદ કરે છે. " (મળયાલમ )

'ખબર જ ન પડી ક્યાંનો ક્યાં વયો ગયો સમય, શહેર આપણો બધો સમય લઈ જાય. '

(ગુજરાતી )


વોઇસ ઓવરમાં કોઈ વ્યક્તિ વિશેષ દેખાતી નથી પણ મુંબઈ દેખાય છે, વહેલી સવારના ચાર -પાંચનું મુંબઈ શહેર દેખાય છે. રસ્તા પર ચહલ પહલ શરૂ થઇ છે, શાકમાર્કેટનું શાક ગુણોમાં ઠલવાયું છે, માછલીઓ ટ્રકમાં ભરાઈ રહી છે. કેમેરાની, ફિલ્મની ગતિ બદલાય છે તે કારમાંથી મુંબઈની લોકલ ટ્રેનના મહિલાઓના ડબ્બામાં પહોંચે છે. ટ્રેનમાં લોકો ઝોકાં ખાઈ રહ્યા છે. તેમાં એક અનુ પણ છે, જે ટ્રેનના પાટિયા પર સૂતી છે. ટ્રેનની ગતિ જમણેથી ડાબી (ઉત્તરથી દક્ષિણ ) તરફની છે. પ્રભા સવારની હવા ખાતી ટ્રેનના દરવાજા પર જમણી તરફ જોતી, વહી જતી ક્ષણોને જોતી ઊભી છે. કેમેરા શહેરથી ખસીને હવે પાત્રો પર મંડાય છે.ફિલ્મના મધ્ય ભાગમાં ફરીથી લોકોના વિવિધ ભાષામાં વોઈસ ઓવર આવે છે. અહીં તેમનો ગુસ્સો વધુ તીવ્ર બન્યો છે.


'કોઈ કહે છે, આ શહેરને માયાનગરી. પણ હું તો ભ્રમણાઓનું શહેર કહું છું. તમારે આ ભ્રમણા માનવી પડે નહિ તો તમે ગાંડા થઇ જાઓ. "


આ અવાજો (વોઇસ ઓવર ) ચાલતા હોય છે ત્યારે મુંબઈના ગણેશવિસર્જનના દૃશ્યો છે. ગણેશવિસર્જનનો ઘોંઘાટ સંભળાતો નથી. પણ મુંબઈના લોકોનો ઉકળાટ સંભળાય છે. જેમનો પોતાનો કોઈ ચહેરો નથી, પણ તે મુંબઈ શહેરનો એક ચહેરો બતાવે છે. તેનાથી પાર્વતીના અને પ્રભાનો સંઘર્ષ વધુ ઘાટો થાય છે. અનેક વાર્તાઓ, વાતો આપણી સાથે , આપણી આસપાસ સતત ચાલતી હોય છે . તેની પ્રતીતિ આ અવાજો કરાવે છે. દસ્તાવેજી ફિલ્મોની શૈલીના આ સંવાદો કથા ફિલ્મને વાસ્તવની નજીક મૂકી આપે છે, એક આધાર આપે છે. પાયલની વોઇસ ઓવર વાપરવાની શરૂઆત ‘ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, પુણે’ના અભ્યાસ દરમ્યાન બનાવેલી કલાસરૂમ ફિલ્મોથી થાય છે. તેની શરૂઆતની શોર્ટ ફિલ્મ 'વોટરમેલન, ફિશ અને હાફ ઘોસ્ટ'માં એક્ટર બાળક જાણે કે પ્રેક્ષકના કાનમાં આવી ધીમેથી એક છૂપી વાત કહી જાય છે. 'આફ્ટરનૂન ક્લાઉડસ'માં પાત્રના મનની વાતો વોઇસ ઓવરમાં છતી થઇ છે. 'વૉટ સમર ઈઝ સેયિંગ' દસ્તાવેજી ફિલ્મમાં પણ વોઇસ ઓવરથી જ ગામની સ્ત્રીઓના અવસાદને વૃક્ષઓના , પવનના, ગામ અને જંગલના દૃશ્યો અને અવાજો સાથે ઘોળવીને વધુ

ઘેરો કર્યો છે. તો 'અ નાઈટ ઓફ નોવિન નથિંગ' દસ્તાવેજી ફિલ્મમાં તો આખી ફિલ્મ પ્રેક્ષક સાથે વાતો કરે છે, ગોઠડી માંડે છે. પાયલની ફિલ્મો જોતા સ્ટ્રીમ ઓફ કોન્સયસનેસના નવલકથાકારો અને ખાસ કરીને વર્જિનિયા વૂલ્ફ યાદ આવે જ.


પાયલ જે બોલાય છે તે ઘણીવાર દૃશ્યોમાં બતાવતા નથી. એટલે કે દૃશ્યોનો અનુવાદ શબ્દોમાં કરતા નથી. જુદા જુદા દૃશ્યો અને શબ્દોને સાથે મૂકીને ફિલ્મમેકર આપણા મનમાં અનેક સંકેતો મૂકે છે. તે સંકેતોના અર્થ આપણા મનમાં પ્રગટતા રહે છે . આ દસ્તાવેજી ફિલ્મમાં ડિરેક્ટરને હોસ્ટેલના રૂમમાંથી પ્રેમપત્રો મળે છે, ફિલ્મની નેરેટર તે પત્રો વાંચે છે. તેમાં ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં થોપી દીધેલા ભગવાકરણ સામે ચાલતી હડતાળની, સંઘર્ષની વાત કરે છે, અને ફરિયાદ કરે છે પ્રેમીને તેના દોગલાપણા વિશે. પણ હા, ક્યાંય પત્રો દેખાયા નથી જૂની ફિલ્મોમાં થતું હોય તેમ. દેખાય છે હોસ્ટેલની રૂમ, પ્રોજેક્ટર પર ચાલતી ફિલ્મો અને તેના ગીતોની ( ખાસ કરીને સંજીવ શાહની ' હું હુંશી હુંશીલાલ' અને મણિ રત્નમની 'દિલ સે' ફિલ્મનું છૈયાં છૈયાં ગીતના દૃશ્યો) સામે થતો પાર્ટી ડાન્સ, ચિત્રો, બીજું ઘણું બધું. જેમાં મુખ્ય સુર વિરોધનો છે પણ તે ફિલ્મની કથા બનીને આવે છે. 'ઑલ વી ઈમેજિન્ડ એઝ લાઈટ'માં અનુ અને તેના પ્રેમીની વાતો પણ વોઇસ ઓવર દ્વારા વ્યક્ત થઇ છે. અનુ એક વાર તો જાણે મેઘદૂતની નાયિકા બની જાય છે. જયારે વાદળ જોઈને તેનો અવાજ સંભળાય છે.


" હું તને વાદળો દ્વારા ચુંબન મોકલું છું . જયારે વરસાદ પડશે ને ત્યારે મારા હોઠ તારા હોઠ સુધી પહોંચશે."



ree

(અનુ અને સિયાઝ મુંબઈનાં રસ્તા પર - લોન્ગ શોટ)


અનુ અને તેના પ્રેમી મુંબઈની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા હોય ત્યારે તેમને તો કેમેરા લૉન્ગ શોટમાં બતાવે છે. પણ તેમનો અવાજ કલોઝઅપમાં સંભળાય છે. એટલે કે ખાસ્સો પાસે, જાણે કે આપણી બાજુમાં અનુ અને સિયાસ બેસીને વાત કરતા હોય, પાછળ સંભળાય છે કર્ણપ્રિય પિયાનોનું પાર્શ્વ સંગીત. 'વોઇસ ઓવર' પ્રેક્ષકના અજાગ્રત મનમાં વધુ પ્રભાવક અને લાંબી અસર છોડીને જાય છે. પ્રેક્ષક તરીકે આપણું ધ્યાન પાત્રોના ચહેરાથી હઠીને તેના શબ્દો પર, તે શું જોઈ રહ્યું છે તેના પર કેન્દ્રિત થાય છે. અને પાત્રના મનમાં, સપનાઓમાં સીધો પ્રવેશ મળે છે. કવિતા, યાદો અને વાસ્તવ વચ્ચે અવર જવર કરવાનું કામ પાયલના સ્ત્રી પાત્રો, સ્ત્રી નેરેટરના અવાજમાં પ્રગટે છે. અને હા પાયલની ફિલ્મોમાં વોઇસ ઓવરની જગ્યા વોઇસ અંડર હોય છે.


કથા ફિલ્મ અને દસ્તાવેજી ફિલ્મ વચ્ચે અવરજવર કરવી, બંનેને એકમેકમાં મેળવવા એ પાયલના ગમતા કામો છે. 'અ નાઈટ ઓફ નોવિન નથિગ'ના પત્રો કેટલા સાચા, કેટલા કાલ્પનિક? '"ઑલ વી ઈમેજિન્ડ એઝ લાઈટ' ફિલ્મના દસ્તાવેજી શૈલીના સંવાદો કેટલાં વાસ્તવિક કે લેખક દિગ્દર્શકની કલ્પના એ તો પાયલને જ ખબર. એ સાચું કે ફિલ્મના દસ્તાવેજી શૈલીના સંવાદોમાં એક પ્રકારની બરછટતા છે, સામાન્ય લોકોનો હોય તેવા ભારતીય ગરીબ અને મધ્યમ વર્ગના વોઇસ ઓવેર છે, તેમાં અદાકારના અવાજમાં જોવા મળતું પરફેક્શન નથી તેજ તેની વિશેષતા છે . દૃશ્યોમાં પણ સાદા વિડિયો કેમેરામાં જોવા મળતું હોય તેવું પિક્સલેશન છે, નોઇસ છે, મુંબઈની શેરીલાઇટના પ્રકાશમાં જ શરૂઆતના અને મધ્યમાં આવતા ગણેશવિસર્જનના દૃશ્યો લેવાયા છે. આ દૃશ્યોમાં કેમેરા હાથમાં પકડેલો હોય તેમ લાગે છે. આ દૃશ્યોમાં પ્રકારની 'રૉનેસ" છે તેજ તેની વિલક્ષણતા છે. ધીરે ધીરે ફિલ્મના પાત્રો ટ્રેનમાં દેખાતા થાય છે ત્યારે 'રૉનેસ' સાથે રાખી, પાત્રોના ચહેરા પ્રકાશિત કરી કથા શરુ થાય છે. આમ ફિલ્મમાં દસ્તાવેજી અને કથા ફિલ્મનું મિશ્રણ થવાથી કથાનું સત્ય, ફિલ્મનું સત્ય પ્રેક્ષકને પોતીકું લાગે છે, યથાર્થનો અનુભવ કરાવે છે. નર્સનું કાલ્પનિક વિશ્વ ઘડતાં પહેલાં પાયલે તેને બારીકાઈથી જોયું છે, અનુભવ્યું છે, તેથી જ તે વેશ્વિક બની શક્યું છે.


ree

('અ નાઈટ ઓફ નોવિન નથિગ' પોસ્ટર)


'ઑલ વી ઈમેજિન્ડ એઝ લાઈટ' ફિલ્મમાં બીજાં બે મહત્વનાં પાત્રો છે. મુંબઈ અને મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાનું દરિયાકિનારાનું ગામ. આ જગાઓ પણ એક પાત્ર તરીકે ઉભરીને આવે છે કથાનો પહેલો ભાગ મુંબઈમાં છે અને પછીનો રત્નાગિરિના ગામમાં. મુંબઈ શહેર એ કોઈનું નથી છતાંય બધાંનું છે. ત્રણેય પાત્રો મુંબઈનાં નથી, આ શહેર તેમને એક ઓળખ આપે છે. એક જુદા જ પ્રકારની આઝાદીનો અનુભવ કરાવે છે. અને ગમે ત્યારે શહેર તેમને ફેંકી દે છે, એ વાત

ફિલ્મમાં ઊભરીને આવે છે. પહેલા ભાગમાં મુંબઈના ઘર, હોસ્પિટલ, જગ્યાઓની ગુંગળામણ આપણને લેન્સ, શોટ ડિઝાઇન અને આર્ટ ડિરેક્શન દ્વારા કરાવાય છે. મુંબઈના નાના અમથા ફ્લેટમાં પડતી સંકડાશ, હોસ્પિટલના રૂમમાં ફેલાઈ રહેલી પ્લેસેન્ટાની ગંધ, બસની ભીડ, દેમાર વરસાદ પ્રેક્ષક પણ અનુભવે છે. બીજા ભાગમાં શોટ ડિઝાઇન, રંગ અને ડેપ્થ ઓફ ફિલ્ડ બદલાય છે. (પાત્ર અને તેની પાછળની સૃષ્ટિ વચ્ચેનો સંબંધ કેમેરા દ્વારા કેવી રીતે બતાવવો, તે કામ ડેપ્થ ઓફ ફિલ્ડ કરે છે.) પહેલા ભાગમાં શેલો ડેપ્થ ઓફ ફિલ્ડમાં શૂટ થઇ છે. પાત્રોની પાછળનું મુંબઈ ખાસું ઝાંખું દેખાય છે. મુંબઈની ભીડમાં પાત્રો ઉભરીને આવે છે. અને રત્નાગીરીમાં ડેપ્થ ઓફ ફિલ્ડ મોટુ બને છે. અને પાત્રોની સાથે પાછળની કુદરત પણ દેખાય છે. આવું કેમ કર્યું હશે? તમે પણ ફિલ્મ જુઓ ને વિચારો.


ફિલ્મના મધ્ય ભાગ વખતે જયારે રત્નાગિરિના દરિયા કિનારે બસ પ્રવેશે છે ત્યારે કેમેરા જમણેથી ડાબે ફરે છે (પેનિગ) પહેલીવાર દરિયો દેખાય છે- એક્સ્ટ્રીમ લોન્ગ શોટમાં( ખૂબ દૂરનો શોટ) જાણે કે મુંબઈની ગુંગળામણની, ગીચતા સામે રત્નાગિરિની વિશાળતામાં પ્રવેશીએ છીએ. મુંબઈમાં ક્યાંય દરિયો દેખાડ્યો નથી. રત્નાગિરિના ભાગમાં લોન્ગ શોટનો ઉપયોગ ભરપૂર થયો છે . અહીં ગામમાં ત્રણેય પાત્રોની પણ ગાંઠો પણ ધીરે ધીરેખૂલતી જાય છે, પ્રકાશની આશા દરેકમાં જન્મે છે.


ree

(અનુ દરિયા કિનારે)


ભારતભરમાં હવે ધીરે ધીરે ઘરોથી લઇ રસ્તા, ટ્રેન, હોસ્પિટલ સફેદ - ભૂરા પ્રકાશથી ઝળહળતાં હોય છે. લગભગ ૨૦૧૦થી પીળા પ્રકાશનું સ્થાન એલઈડી બલ્બના ભુરા- સફેદ પ્રકાશે લીધું છે. એ વાતને નોંધીને ફિલ્મનો પહેલો ભાગ ટ્યુબલાઈટના (ફ્લોરોસેંટ) પ્રકાશથી શૂટ થયો છે. આંખને વાગે એવા ટ્યુબલાઈટના પ્રકાશને ઝાંખી ચમક આપી છે, જે પાત્રોના મનોવિશ્વને મુંબઈની ગીચતા સામે મૂકી આપે છે. ફિલ્મમેકર તરીકે આ પ્રકાશમાં શૂટ કરવું એક મોટું સાહસ છે. ફિલ્મના બીજા ભાગમાં રત્નાગિરિ ગામમાં શોટ ડિઝાઇન, રંગો બદલાય છે. અહીં કુદરતી પ્રકાશ પર ભાર મૂકીને પાંદડા ઉપરથી ચળાઈને આવતા, સોનેરી , પીળા પ્રકાશમાં વાર્તા આગળ વધે છે. ફિલ્મના શોટમાં લેયર (સ્તર) રચવા એ પાયલ અને તેના સિનેમેટોગ્રાફર રણબીર દાસની વિશેષતા છે. મોડી રાતે પ્રભા મુંબઈના ઘરમાં બારી પાસે બેસીને મોબાઈલના પ્રકાશમાં ડૉક્ટર મનોજે (અઝીઝ નેદુંમાંગદ) આપેલ કવિતાની ડાયરી કાઢી વાંચી રહી છે . ઘરમાં બિલકુલ અંધારું છે, અને દૂર પાછળ ટ્રેન દોડી રહી છે. ટ્રેનના પાટાની પાછળ દૂર ઊંચા એપાર્ટમેન્ટ ટાવરમાં દસ બાર લાઈટ સળગી રહી છે. શોટમાં ભૂરા અને કાળા રંગના દસથી વધારે લેયર છે. આ લેયર શોટને વધુ પરિમાણ આપવાનો ભાસ ઊભો કરે છે. આ શોટ જોઈ મને તરત ચાઇનીસ ફિલ્મમેકર વોન્ગ કાર વાઈની ‘મૂડ ફોર લવ' ફિલ્મ યાદ આવી હતી તેમાંય શોટના અનેક લેયર ફિલ્મમેકર ઘડે છે. વોન્ગ કાર વાઈની બીજી ફિલ્મ ‘ચન્કીન્ગ એક્સપ્રેસ’માં જે રીતે ફ્લોરોસેંટ લાઇટનો ઉપયોગ થયો છે. તે આ ફિલ્મ જોઈને યાદ ન આવે તો જ નવાઈ. પાયલ અને રણબીરે જરૂર આ ફિલ્મોને સંદર્ભ તરીકે રાખી હશે. ફિલ્મના શોટના આ રીતે અનેક લેયરને ઘડવા એ પાયલનું ગમતું કામ છે, અને એ 'અ નાઈટ ઓફ નોવિન નથિંગ'થી દેખાવાનું શરૂ થાય છે. તેનાથી દૃશ્યનું ઊંડાણ વધતું

જાય છે. આવી શોટ ડિઝાઇન વાર્તામાં કલવાઈને આવે છે. 'બ્યુટી શોટ'ની રીતે નથી આવતા. પાયલની શરૂઆતની શોર્ટ ફિલ્મ 'આફ્ટરનૂન ક્લાઉડસ' અને વૉટ સમર ઈઝ સેયિંગ'માં લાંબા નિરિક્ષણાત્મક શોટ અને તેની ગતિમાં પુરોગામી ફિલ્મમેકરો અને તેમની છાપ ઊડીને આંખે ચોંટતી હતી પણ પાછળની બે ફિલ્મમોમાં શોટ ડિઝાઇનમાં પ્રવાહિતા આવી છે. અને દરેક શોટની ભાષા ફિલ્મનાં પાત્રોની ભાષાની નજીક લાગે, નહીં કે દિગ્દર્શકની. પાત્રોના મનોવિશ્વને ઘડવામાં, લાગણીઓને પકડવામાં પણ પાયલે ''ઑલ વી ઈમેજિન્ડ એઝ લાઈટ'માં પકડ કેળવી છે.


પાયલ રચનારીતિમાં, નેરેટિવમાં ‘અ નાઇટ ઓફ નોવિંન નથીંગ’ દસ્તાવેજી ફિલ્મમાં વધુ સાહસ કરી શક્યા છે, અંગત સંઘર્ષની વાત કરતા વિદ્યાર્થીઓની, સામાજિક સંઘર્ષની, રાજકીય, વિચારશૈલીઓની કટોકટીની વાત ફક્ત દ્રૂશ્યો અને વોઈસ ઓવર દ્વારા કરી શક્યા છે. “ઑલ વી ઈમેજિન્ડ એઝ લાઈટ’માં રચનારીતિ, નેરેટીવ પરંપરાગત છે. પણ કહેવાની શૈલી (ટ્રીટમૅન્ટ) નવીન છે. ફિલ્મમાં મુખ્ય ભાષા મળયાલમ છે. કેરાલાના કયા પ્રદેશની ભાષા છે, ક્યો લહેકો વપરાયો છે તે મારે માટે એક ગુજરાતી તરીકે કહેવું અઘરું છે. ડિરેક્ટર તરીકે પાયલ પણ મળયાલમ ભાષા જાણતા નથી, પણ તે જાણે છે દૃશ્યોની ભાષા, લાગણીની ભાષા. એ ફિલ્મમાં સુપેરે પ્રગટ થઈ છે. અદાકારી ફિલ્મનું એક વધુ જમાપાસું છે. આ પાત્રો કેમ મને પોતીકા લાગે છે? એ વિચારતાં તેનો કમાલ પાત્રલેખનનો લાગે પણ સાથે સાથે અદાકારીનો પણ તેમાં એટલો જ ફાળો છે. દરેક કલાકારે સ્વાભાવિક રહીને સંવાદબાજીમાં નહિ પડીને પોતાનું વિશ્વ ઉભું કર્યું છે. તેથી જ પ્રેક્ષકને પણ તેમાં પ્રવેશતાં જ પોતીકું લાગે છે. અનુના પાત્રમાં દિવ્યા પ્રભાએ પાત્રને અનુરૂપ ચંચળતા ફક્ત સંવાદમાં જ નહીં, પણ પૂરા શરીરમાં, હાવભાવમાં ઊમેરી છે. કની કુસરુતી પ્રભાના પાત્રના અંધારા ખુણાઓમાં પ્રેક્ષકને લઈ જઈ શકી છે. તેનો ખચકાટ, ખિન્નતા તેની આંખોમાં દેખાય છે. છાયા કદમ પોતાના પાત્રની મસ્તી પ્રગટાવી શકયા છે. એની પાછળ ડિરેક્ટરની અથાગ મહેનત દેખાય છે. અદાકારોના એક ઇન્ટરવ્યૂમાં કહ્યા મુજબ લાંબા એક મહિના ઉપરાંતના પાયલના ઘરમાં જ ચાલેલા વર્કશોપ પછી પણ ફિલ્મ શૂટિંગ ફ્લોર પર પહોંચી ત્યારે અદાકાર થાકી જાય ત્યાં સુધી કેટલાય શોટના દિગ્દર્શકે ૨૦-૨૫ ટેક લીધા છે. ક્યાંયે અદાકારો નાટકીય થતા નથી ક્યાંયે સંવાદ એકદમ નીરસ થઈને નિરીક્ષણત્મક રીતે બોલાયા નથી.


એડિટિંગ ક્યાંય ઊડીને આંખે વળગતું નથી, એજ એડિટર ક્લેમેન્ટ પીન્ટેઓક્સની ખૂબી છે. વાર્તા અને પાત્રોની રિધમ અનુસાર ફિલ્મ 'કટ' નહિ પણ 'જોઈન' થઇ છે. હા, ખાસ ધ્યાન બોલી રહેલા પાત્રોની જગ્યાએ સાંભળતાં, પ્રતિક્રિયા આપતાં પાત્રો અને તેના હાવભાવ પર કેન્દ્રિત થયું છે. સંગીત એ ફિલ્મમાં બહુજ સૂક્ષ્મ રીતે દૃશ્યોને, પાત્રોને અને તેના ભાવોને ઉઠાવ આપવાનું કામ કરે છે. સંગીત જાજરમાન નથી, તેમાં નાટકીય આરોહ અવરોહ વધુ પડતા નથી. ફિલ્મનું સંગીત પાત્રનું અંગત છે. પાત્રોના રોમાન્સને, ખિન્નતાને ઘેરું કરવાનું કામ તે કરે છે. ફિલ્મના સંગીતકાર ટોપશે દાસે ૧૯૫૦ના અમેરિકન જાઝ, બોલીવુડ ૧૯૬૦-૧૯૭૦ના સાઉન્ડ ટ્રેકથી પ્રભાવિત થઇ, પોતાની રીતે એક નવું જ પાર્શ્વ સંગીત ઘડ્યું છે. અનુ અને સિયાઝ જયારે જયારે પ્રગટ થાય છે , કે તેમની વાતો ફોન પર ચાલી રહી છે ત્યારે કર્ણપ્રિય મેલોડી વાગે છે , જેમાં પિયાનો તેમના લાગણીઓને ઓપ આપવાનું જાણે કામ કરે છે. આ પિયાનોનું સંગીત આમાહોય સેગુ મરિયમ ગુબરો (Emahoy Tsegué-Maryam Guèbrou) નામનાં ઈથોપિયન નનનું છે. અનુનાં પ્રેમને, દીવાસ્વપ્નાઓને પાંખો આપવાનું કામ આ

પિયાનો કરે છે. સેગુ મરિયમે તો દાયકાઓ પહેલા આ સંગીત બનાવ્યું હતું પણ તેનો ઉપયોગ કરવાનો વિચાર ફિલ્મના એડિટર ક્લેમેન્ટ પીન્ટેઓક્સને આવે છે. વિચાર અમલમાં મુકાય છે સંગીતને અને ફિલ્મને નવા અર્થો મળે છે. રત્નાગિરિમાં સંગીતની તરહ બદલાય છે. અનુ, પ્રભા અને પાર્વતી દારૂ પીને જે ગીત પર નૃત્ય કરે છે, તે ગીત છે, કારાવાં (1971) ફિલ્મનું આશા ભોંસલેના કંઠમાં ગવાયેલું ' દૈયા યે મેં કહાં ફસી, કૈસે ફસી ?" આ ગીત ફિલ્મના ગંભીર થતા મૂડને, પાત્રોને હળવા અને સહજ બનાવે છે. ફિલ્મનો અંતનો ટ્રેક ‘ઇમેજિન્ડ લાઈટ’ તમને થિયેટરમાં જકડીને બેસાડી રાખે, તે ખાસ્સો રિફ્લેકટીવ બન્યો છે.


કોઈ પણ કામ રાજકારણથી મુક્ત રહી શકતું નથી. તો કળા ક્યાંથી રહે? જે વિચાર, વસ્તુ કે સમયની વાત જયારે કલાકાર કરે છે, શું પકડે છે, શું છોડે છે, તેમાં કલાકારનું અને કૃતિનું રાજકારણ છતું થતું હોય છે, તે કોને નથી ખબર ? પાયલ પણ તે જ રીતે કામ કરતાં આવ્યા છે. તેના કામોમાં મજૂરો, વિદ્યાર્થી, દબાયેલા કચડાયેલા વર્ગની વાતો આવે છે પણ તે વાતો ફિલ્મના માધ્યમથી કરે છે. પાયલ કર્મશીલ નથી , કલાકાર છે તેથી તેના ફિલ્મોમાં આ મુદ્દાઓનો ક્યારેક અછડતો ઉલ્લેખ આવે છે. કર્મશીલોને લાગે છે કે 'ઑલ વી ઇમેજિન્ડ એઝ લાઈટ' ફિલ્મમાં મુદ્દાઓના ઊંડાણમાં નથી જવાયું, મિલમજૂરોના, વિસ્થાપિતોના , જાહેરમાં શૌચના મુદ્દાઓની બસ વાત છે. સમાજ સુધારક મહાત્મા ફૂલે અને સાવિત્રી બાઈ ફૂલેના ફોટા વાળા મોટા હોલમાં મજૂરો પોતાના આવાસ માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તેમાં પાર્વતી અને પ્રભા પણ જોડાય છે. એક મોટા બિલબોર્ડ ઉપર જેમાં એપાર્ટમેન્ટ કોમ્પલેકસની જાહેરાત છે , જેની ટેગલાઈન છે , 'ક્લાસ ઇઝ પ્રિવિલેજડ, રિઝર્વડ ફોર પ્રિવિલેજડ' (વર્ગ વિશેષાધિકાર છે, વિશેષાધિકારીઓ માટે અનામત છે . ) તેના પર બે પથ્થર પ્રભા અને પાર્વતી મારે છે. અને બિલબોર્ડ ફાટી પડે છે . આ બિલ્ડબોર્ડ પર પથ્થર ફેકવો એ પ્રતીકાત્મક છે , મને સુધિર મિશ્રાની 'ધારાવી' ફિલ્મમાં રાજકરણ (ઓમ પુરી) ‘બોમ્બે ડાયઇન્ગ'ના બિલબોર્ડ ઉપર વચ્ચે ‘ઇઝ’ લખીને 'બોમ્બે ઇઝ ડાયઇન્ગ ' ગ્રેફિટી કરી હતી

તે યાદ આવે છે, અને શ્યામ બેનેગલની 'અંકુર"નું અંતનું દૃશ્ય પણ. બીજો એક મહત્વનો મુદ્દો, અનુનો પ્રેમી સિયાઝ મુસ્લિમ છે, બંને સતત ભયમાં જીવે છે . તેમને એક્મેકનું કુટુંબ - સમાજ સ્વીકારી નહિ શકે તેની ભીતિ છે, ભવિષ્યની ચિંતા છે. ફિલ્મના અંતમાં પ્રભાના આગ્રહથી અનુ સિયાઝને બોલાવે છે . પ્રભા અને પાર્વતી સહજ રીતે સિયાઝને સ્વીકારે છે .બધા જ રાતનું આકાશ અને દરિયો જોતાં દરિયાકિનારની રેંકડી પર બેઠાં છે, રેંકડીવાળો ખુશીથી ઝૂમી રહ્યો છે. તે રાતે બધાં પ્રકાશની કલ્પના કરે છે. અને અંધકારમાં જ પ્રકાશની કલ્પના થઈ શકે ને? પ્રેક્ષક પણ એ કલ્પનામાં જોડાય છે. ફિલ્મનું કામ ક્રાંતિનું નથી, પ્રેક્ષકને વિચારતાં કરવાનું છે તે આ ફિલ્મ કરે છે.


ફિલ્મનું નામ "ઓલ ધે ઇમેજિન્ડ લાઈટ' નથી પણ "ઓલ વી ઇમેજિન્ડ લાઈટ' છે , પ્રકાશની કલ્પના તેમણે જ નથી કરી, અમે-આપણે પણ કરી છે. we સર્વનામ ખૂબ મહત્વનું છે . 'we'માં કોણ ? પાત્રો તો ખરા જ પણ કલાકાર, દિગ્દર્શક, સાથે જોડાયેલા બધા કસબીઓએ પણ એક પ્રકાશની કલ્પના કરી છે. ફિલ્મનું શીર્ષક વાંચીને આપણે પણ પ્રેક્ષક તરીકે પ્રકાશની, ફિલ્મની કલ્પના કરીએ છીએ. ફિલ્મનું શીર્ષક આ રીતે દિગ્દર્શકથી ભાવક સુધી વિસ્તરે છે. આ પ્રકાશ કયો ? એ પણ આપણે જાતે વિચારવાનું છે. ફિલ્મના શીર્ષક સાથે બીજી એક વાર્તા છે. આ જ શીર્ષક લઈને એક ભારતીય વિખ્યાત ચિત્રકાર ચિત્રોની એક હારમાળા કરે છે ૨૦૧૭માં. તેમાં કપરાં રાજકીય માહોલ વચ્ચે જે રીતે લોકો એકમેકની પડખે ઊભાં રહે છે તેની વાત છે . આમ ફિલ્મ અને ચિત્રો બંને માણસમાં રહેલી માણસાઈની અને રાજકીય પડકારોની વાતો કરે છે. સંયોગ એ છે કે આ ચિત્રોના ચિત્રકાર નલિની મલાની પાયલ કાપડિયાનાં મા છે, પાયલ તેમની મા પાસે આ શીર્ષક ઉધાર લે છે, અને હવે તેને પોતાનું બનાવે છે.


હવે એવી કેટલીક વાતો જે મને ખૂંચી છે. એક પ્રભાનું પાત્ર ખાસ્સું નૈતિક બનાવવાનો પ્રયત્ન થયો છે અને એને કારણે પ્રભા ત્રિપરિમાણીય ઓછું બન્યું છે. ડૉક્ટર પ્રત્યેનું થોડુંક ખેંચાણ બતાવ્યું હોત તો? શું ફિલ્મ બદલાઈ જાત? બીજું, પ્રભા રત્નાગિરિના ગામમાં ખુલ્લામાં ઉકડી બેસીને પેશાબ કરે છે. ભારતીય દર્શક માટે આ રીતે પેશાબ કરવો એ નવીન નથી. પણ પ્રભાને એક નર્સ તરીકે ભાગ્યે જ ખુલ્લામાં પેશાબ કરતી કલ્પી શકાય, કદાચ કરે તો પણ તેના પાસે સૅનેટાઇઝર હશે, હાથ સાફ કર્યા વગર તે આગળ નહિ વધે. હશે ફિલ્મોમાં આવી કચાશ રહી જાય કારણ કશું જ સંપૂર્ણ નથી.


આ ફિલ્મ કેનમાં એવોર્ડ જીતી પછી ભારતના થિયેટરોમાં ૨૨ નવેમ્બર, ૨૦૨૪ના દિવસથી પ્રદર્શિત થઈ. ફિલ્મ "લિમિટેડ રિલીસ' થઇ એટલે ફિલ્મ ગણીને દસેક મોટા શહેરોના થિએટરમાં-દિલ્હી, મુંબઈ , મદ્રાસ , કોલકોતા , હૈદરાબાદ , બેગ્લોર, અમદાવાદ , જયપુરમાં જ બતાવાઈ. લગભગ બે અઠવાડિયા સુધી ફિલ્મના શૉ ચાલતા હતા. ભારતમાં ફિલ્મને પ્રદર્શિત કરવાનું શ્રેય સ્પિરિટ મીડિયાના કર્તાહર્તા બાહુબલી ફિલ્મના સુખ્યાત અદાકાર રાણા દુગુપટ્ટીને જાય છે. આ રીતે વ્યવસાયિક , કૉમર્શિઅલ અને ઇંડિપેંડેન્ટ ફિલ્મો વચ્ચે સંબંધ બંધાય તે જરૂરી છે . આવા પુલો વધુ બંધાવા જોઈએ.


ફિલ્મનો પહેલો સંવાદ, 'મને અહીં ૨૩ વર્ષ થયાં છે. પણ હું આને ઘર નથી કહી શકતો. ડર લાગે છે કે ગમે ત્યારે મારે પાછું જવું પડે. ' આ ઘર કયું? ફિલ્મમાં ઘરના વિવિધ અર્થો ખુલતા રહે છે. પ્રભા, પાર્વતી અને અનુ પણ પૂરી ફિલ્મમાં ઘર શોધી રહ્યાં છે. હું પણ તેમની જેમ પોતાનું ઘર શોધી રહ્યો છું, વર્ષોથી, જ્યાંથી ઘરનિકાલ ન થવું પડે, હું પણ પ્રકાશની કલ્પના કરી રહ્યો છું, આ પાત્રોની જેમ. આ પાત્રો કદાચ તમને પણ મળી જાય, નજર અને કાન ખૂલ્લા રાખજો. અને હા,

જો તમને પહેલો પ્રકાશ દેખાય તો મારા સુધી પહોંચાડજો.


(અત્યારે આ લેખ વાંચતા દરેકના મનમાં જુદી જુદી ફિલ્મો ચાલી હશે, જુદા જુદા અનુ, પ્રભા અને પાર્વતી અને ડિરેક્ટર પાયલ કાપડિયા દેખાયાં હશે. તમે જાતે ફિલ્મ જોશો ત્યારે તેઓ નવા જ રૂપ રંગમાં પ્રગટશે. ફિલ્મ જોઈને કહેજો કે તમારી મનમાં ચાલેલી આ વાર્તા અને પાત્રો સાથે આ ફિલ્મ કેટલી મેળ ખાય છે! જીઓ Hotstar OTT ઉપર ફિલ્મ જોઈ શકાય છે. બાકી ફિલ્મને થિએટરમાં જોવાની મઝા કંઈક ઑર જ હતી.)


(સમીપે અંક ૭૧ -૭૨માં લેખ છપાયો. ઑગસ્ટ, ૨૦૨૫ )


ree

Comments


Let's Co-Create 
info@rangfilms.com
+91 887 907 6339 

 

© 2025 by Rang Films.  All rights reserved.

bottom of page